PTE ટેસ્ટમાં સારા ગુણ મેળવવા હોય તો તમારી રિડિંગની કેપેસિટી વધારવા પર ધ્યાન આપો.

ભારતમાં PTE એકેડેમિક ટેસ્ટ લેવાનું કામ પિયરસન ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. તેમણે આ માટે પાંચ પગલાં સૂચવ્યા છે.

1. શક્ય એટલું વધારે વાંચોઃ અંગ્રેજી વાંચન ક્ષમતા વધારવા માટે અલગ અલગ પુસ્તકો, બ્લોગ, થિયરી, રિવ્યૂ, ન્યૂઝ અને ટેસ્ટમાં આવરી લેવાતા વિષયોની વાર્તાઓ વાંચો. તમને પસંદ પડે તેવા જુદા જુદા જોનર અને વિષયોનું વાંચન ઉપયોગી બનશે.

2. રિડિંગ સ્કીલ વિકસાવવીઃ PTE એકેડેમિક એ બે કલાકની સિંગલ પરીક્ષા છે. તેથી ઝડપથી વાંચવાની ક્ષમતા વિકસાવવી જરૂરી છે. તમે પીટીઈની તૈયારી કરતા હોવ ત્યારે વાંચનની ઝડપ વધારવાનો ગોલ નક્કી કરો. નિશ્ચિત સમયમાં ચોક્કસ સંખ્યામાં શબ્દો વાંચવાનો લક્ષ્ય નક્કી કરો. આ પ્રેક્ટિસથી પરીક્ષામાં ફાયદો થશે.

3. તમારી ડિક્શનરી વિકસાવોઃ વાંચનની ઝડપ વધારવાની સાથે સાથે તમે તે કન્ટેન્ટને બરાબર સમજો તે પણ જરૂરી છે. તમારી સામે ક્યારેય અજાણ્યો અથવા ઓછો વપરાતો શબ્દ આવે ત્યારે તેનો અર્થ શોધો અને યાદ કરી લો. તમે પોતાનું વોકેબ્યુલરી લિસ્ટ પણ બનાવી શકો છો.

4. કન્ટેન્ટને અસરકારક રીતે વાંચવા અને સમજવા માટે અંગ્રેજી ગ્રામર પર તમારું ચુસ્ત નિયંત્રણ હોય તે જરૂરી છે. PTEના સ્ટડી મટિરિયલનો ઉપયોગ કરીને ગ્રામરને સુધારો. બેઝિકથી શરૂઆત કરો અને ધીમે ધીમે વધુ જટિલ ગ્રામરના સેક્શનને સમજો. વાંચન વધારશો તેમ વ્યાકરણ સુધરશે.

5. એક્ઝામની અસરકારક સ્ટ્રેટેજી અપનાવોઃ PTEના રિડિંગ સેક્શનમાં સારામાં સારું પરફોર્મન્સ કરવા માટે આટલું કરો (a) કોઈ પણ લખાણને આખું વાંચવામાં સમય બગાડવાના બદલે તેનો સાર સમજવા પર ધ્યાન આપો. તેનાથી તમને મુખ્ય વિચાર સમજાઈ જશે. (b) સમયનો અભાવ હોવા છતાં પ્રશ્નને બે વખત વાંચો. તેનાથી તમે તમામ જરૂરી માહિતીને શોષી શકશો અને કોઈ મહત્ત્વની માહિતી ચૂકી નહીં જાવ. (c) કી વર્ડ્સને હાઈલાઈટ કરો. આ ટેકનિકથી ટાઈમની બચત થશે અને વધુ મહત્ત્વની માહિતી યાદ રહેશે. (d) મલ્ટિપલ ચોઈસ પ્રશ્નોમાં એલિમિનેશન ટેકનિક વાપરો. તમને સાચો જવાબ ખબર ન હોય તો જે જવાબ સંપૂર્ણપણે ખોટો લાગે છે તેને દૂર કરો. તેનાથી તમારો જવાબ સાચો પડવાની શક્યતા વધી જશે. (e) તમારી સ્કીલ સુધારવા માટે રિડિંગ વધારવાની સાથે સાથે પ્રેક્ટિસ ટેસ્ટ પણ વધારી દો. તમને જે એરિયામાં વધુ સુધારાની જરૂર લાગતી હોય તેના પર ધ્યાન આપો.

whatsapp