અમેરિકાના ટુરિસ્ટ વિઝા મેળવવા માટે 15થી 79 વર્ષની વયના લોકોને ઈન્ટર્વ્યુ આપવો ફજિયાત છે, તેમાં ખાસ કોઈ અઘરા સવાલ નથી પૂછાતા પરંતુ પાંચેક મિનિટ ચાલતા આ ઈન્ટર્વ્યુમાં વિઝા ઓફિસર તમારા વિશેની ઘણી માહિતી લઈને તમને વિઝા આપવા કે નહીં તે નક્કી કરી લેતા હોય છે.

જો તમે અમેરિકા કોઈ બિઝનેસ ટ્રીપ પર જવા માગતા હો તો તમારે B1 વિઝા લેવા પડે છે, જ્યારે ત્યાં ફરવા જવા માટે B2 વિઝા લેવાના હોય છે. વિઝા માટેની તમારી પાત્રતા ચકાસવા માટે લેવાતા ઈન્ટર્વ્યુમાં પૂછાતા સવાલોની વાત કરીએ તો તેનો હેતુ માત્ર એ જાણવાનો હોય છે કે તમે અમેરિકા જવા કેમ માગો છો, અને તમારી ટ્રીપ જેટલા દિવસની હશે તે તમે અફોર્ડ કરી શકો તેમ છો કે નહીં. ઈન્ટર્વ્યુમાં ખાસ અઘરા સવાલ પૂછવામાં નથી આવતા, અને તમારે તેના જવાબ ઈંગ્લિશમાં જ આપવા ફરજિયાત નથી હોતા. તમે ઈચ્છો તે ભાષામાં જવાબ આપી શકો છો, તેના માટે તમને ટ્રાન્સલેટરની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. 

કેવા પ્રકારના સવાલ હોય છે?

વિઝા ઓફિસર તમારી સાથે વાતચીતની શરૂઆત તમારો પાસપોર્ટ જોવા આપશો તેવા એકદમ સરળ સવાલથી પણ કરી શકે છે. શક્ય છે કે તમારો પાસપોર્ટ જોતાં-જોતાં જ તમને અમેરિકા કેમ જવું છે, કેટલા દિવસ માટે જવું છે, ત્યાં તમારૂં કોઈ પરિચિત રહે છે કે નહીં તેવા સવાલો પૂછાઈ શકે છે. આ સવાલોના જવાબ તમે શોર્ટમાં આપી શકો છો, પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે માત્ર યસ કે નોમાં જવાબ આપી દો. તમે પહેલા વિઝા માટે એપ્લાય કર્યું હતું કે નહીં, તેમાં કોઈ રિજેક્શન આવ્યું હતું કે કેમ તે અંગે પણ તમને સવાલ પૂછાઈ શકે છે જેનો જવાબ તમે પ્રામાણિકતાથી આપો તે સારૂં રહેશે, કારણકે તમારા બધા રેકોર્ડ તેમની પાસે પહેલાથી જ ઉપલબ્ધ હશે. આ સિવાય વિઝા ઓફિસર તમારા પ્રવાસનો અંદાજે કેટલો ખર્ચો થશે, તમે ચોક્કસ સમયગાળા દરમિયાન જ કેમ જવા માગો છો તેવા સવાલ પણ પૂછી શકે છે.


whatsapp